પશુપાલન તેમજ ખેતીને વરેલા બનાસકાંઠા જિલ્લામાં અનેક મહિલાઓ પણ હવે પશુપાલનનું કાર્ય કરી રહી છે અને ધનના ઢગલાં કરી રહી છે. ડીસા તાલુકાના ગોગાઢાણી ગામમાં રહેતી પ્રિયાબેન માળી પણ પશુપાલન સાથે સંકળાયેલી છે, તેમની પાસે 35 પશુઓ છે. તેઓ મહિને લાખોની આવક મેળવી રહ્યા છે.
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો છે. અહીં આવકના સ્ત્રોત તરીકે કૃષિ અને પશુપાલન ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. જોકે, ખેતીમાં ઘણીવાર નુકસાન થતું હોય છે. જેથી ખેડૂતો હવે પશુપાલન તરફ વળ્યા છે. જિલ્લામાં આવેલી બનાસડેરી પશુપાલકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે, આ ડેરી ખાતે પશુપાલકોને દૂધનો સારો એવો ભાવ મળી રહે છે. આ જિલ્લાના ખેડૂતો હાલ લાખોની આવક માત્ર પશુપાલન થકી જ મેળવી રહ્યા છે, ત્યારે ડીસાના ગોગાઢાણી ગામે પ્રિયાબેન માળી પણ પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન થકી તેઓ વર્ષે લાખોની આવક મેળવી રહ્યા છે.
પ્રિયાબેન માળીની ઉંમર 22 વર્ષ છે. માત્ર 22 વર્ષની ઉંમરમાં તેઓ ધનના ઢગલાં કરી રહ્યા છે. બનાસ ડેરી ખાતે તેમને દૂધના સારામાં સારા ભાવ મળી રહે છે. તેઓ પશુપાલન થકી મહિને 1.20 લાખથી વધુ આવક મેળવી રહ્યા છે. અન્ય ખેડૂતો માટે પણ પ્રિયાબહેન પ્રેરણાની મૂર્તિ સાબિત થયા છે. પ્રિયાબેન એક આત્મનિર્ભર મહિલા છે. તેઓએ સારામાં સારી કમાણી પ્રાપ્ત કરીને પુરુષોને ટક્કર આપવાનું કામ કર્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢના ગોગા ઢાણી ખાતે રહેતા 22 વર્ષીય પ્રિયાબેન લક્ષ્મીચંદભાઈ માળી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પહેલાં વર્ષોથી તેમનો પરિવાર પરંપરાગત ખેતી સાથે જોડાયેલો હતો, પરંતુ પરંપરાગત ખેતીમાં સારો નફો ન મળતા તેમનો પરિવાર પશુપાલન સાથે જોડાયો હતો.
માલગઢના ગોગા ઢાણી ખાતે રહેતા પ્રિયાબેન લક્ષ્મીચંદભાઈ માળી પાસે આજે નાનામોટા 35 પશુઓ છે. 35 પશુઓમાંથી હાલ 12 પશુઓ દૂધ આપે છે. તેઓ દરરોજ ડેરીમાં 120થી 130 લીટર દૂધ ગામની ડેરીમાં ભરાવે છે. ગામમાંથી સૌથી વધુ ડેરીમાં દૂધ ભરાવનાર તેઓનો પ્રથમ નંબર આવે છે.